ખાંભાના સમઢીયાળા ગામેથી ૨૦૨૦ની સાલમાં સગીરાને ભગાડી જઈને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારા આરોપીને ધારીની સ્પેશિયલ કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી હતી. રાજુલાના કોવાયાનો નીતિન ઉર્ફે અજયસિંહ માવાડા (ઉ.વ.૨૨) મૂળ વતન બડીખટાલી, તા. જોબટ, મધ્યપ્રદેશનો લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. આ કેસ ધારીના સ્પેશિયલ પોક્સો જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ એમ.એન. શેખ સમક્ષ ચાલ્યો હતો. જેમાં જિલ્લા સરકારી વકીલએ આરોપીને કડકમાં કડક સજા કરવા દલીલો કરી હતી અને ડીએનએ ટેસ્ટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે ૨૦ વર્ષની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો હતો. ઉપરાંત પોક્સો એક્ટની કલમ ૪માં ૧૦ વર્ષની સખત કેદ તથા ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ એમ કુલ અઢી લાખનો દંડ કર્યો છે અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનારને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.