કોલેજમાં ભણવાનો એક અજબ ઉત્સાહ હોય છે. નવું શૈક્ષણિક વરસ શરૂ થઈ રહ્યું છે. કોલેજમાં પગલા એટલે જિંદગીની વસંત. પાછલી પેઢીના અનેક જમીનદારો અને શ્રીમંતોએ કોલેજ તો કદી જોઈ નથી તોય તેમના શ્રીચરણમાં લક્ષ્મી આળોટે છે. આપણા દેશમાં ખાનગી શિક્ષણ સંસ્થાઓના જે તીડના ટોળાઓ ઉતરી આવ્યા એણે એક ભ્રમ આખા દેશમાં ફેલાવ્યો કે ભણવાથી નોકરી મળે અને ભણવાથી પૈસા મળે. આ એટલી બધી હાસ્યાસ્પદ વાત છે કે લાખો લોકોને અનુભવ થઈ ગયો છે કે ભણવાથી ભાગ્યે જ નોકરી મળે અને ભાગ્યે જ એટલે કે ક્વચિત જ પૈસા મળે તોય ટોળેટોળા ગાડરિયા પ્રવાહમાં હજુ આજેય ધકેલાતા જાય છે. પહેલી વાત તો એ છે કે જેને પૈસા કમાતા રહેવાની પ્રેક્ટિસ જ નથી એને તો આ દુનિયામાં કંઈ મળવાનું જ નથી, ચાહે તે ગમે તેટલું ભણે. આપણે ત્યાં પૈસા ઉડાડવામાં અને માભો પાડવામાં કોઈને શરમ નથી આવતી. પિતાના પૈસાના બાઈક પર ફરવું એના જેવી મૂર્ખતા બીજી કોઈ નથી. હા, પિતા સાયકલ લઇ આપે એટલું બસ છે. બાઈક એ તો જિંદગીનું પહેલું સ્ટેજ છે જ્યાંથી આપકમાઈનો પહેલો તબક્કો શરૂ થાય છે અને ત્યાંથી જ આપણા મોટાભાગના યુવા વર્ગના એકડા ઊંધા થવા લાગે છે. બાપકમાઈના બાઈક પર સવારી એ કંઈ વટ મારવાનો વિષય થોડો છે ? એ તો યુવાનીનું પ્રથમ ગ્રાસે લાગેલું લાંછન છે.

માતાપિતા અને વાલી સમુદાયે પણ સંતાનોને પૈસા કમાવાની તાલીમ આપવામાં ગોથા ખાધા છે. વાલીઓ જેટલો સમય નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન થશે કે નહિ એની પંચાતમાં આપે છે એટલો જ સમય આપડા કુંવર બે પૈસા ક્યે દિવસે કમાતા શીખશે એમાં આપે તો એના પરિવારનો ઉદ્ધાર થઈ જાય એમ છે. આપણા ઘરમાં લાયબ્રેરી નથી. અરે માસ્તરોના ઘર પર દરોડા પાડો તો ત્યાંય લાયબ્રેરી ન મળે. બહુ બહુ તો પાઠ્યપુસ્તકો મળે. એય મળે તો.. નહિતર રામ રામ કહો. આજે ગુજરાતીઓ પાસે અઢળક સંપત્તિ અને નાણાં છે એવી જે વિશ્વખ્યાત માન્યતા છે એના મૂળ તપાસવા જેવા છે. અંગ્રેજો દેશમાં સુરતથી પ્રવેશ્યા ત્યારે સુરત ગુજરાતના પાટનગર જેવું હતું. ઈ. સ. ૧૮૫૦ના અરસામાં તો સુરતના શ્રીમંતોના ઘરમાં અલગ લાયબ્રેરી રૂમ હતા. એ જોઈને બ્રિટિશરો તો દંગ થઈ ગયા હતા. બધા જ ઈંગ્લિશ પુસ્તકો હતા. દરેક શ્રીમંતના ઘરે જેમ માળી હોય, કામવાળા હોય, મુનિમ હોય, ડ્રાઈવર હોય એમ એક બાઈન્ડર પણ હોય. એનું કામ ઘરના પુસ્તકોને બાઈન્ડિંગ કરવાનું અને પુસ્તકોની સાચવણ રાખવાનું. ઈ. સ. ૧૮૨૨માં શરૂ થયેલા પહેલા ગુજરાતી દૈનિક મુંબઈ સમાચારના માલિક તંત્રી ફરદુનજી મહેરબાનજી મૂળભુત રીતે સુરતના શ્રીમંતોના બાઈન્ડર હતા.

ગુજરાતીઓ શતાબ્દીઓથી શ્રીમંત હોવા પાછળનું એક કારણ એ છે કે ગુજરાતીઓ હિસાબ અને કિતાબમાં પાક્કા હતા. આજે અરધાના, પોણાના કે સવાયાના ઘડિયા તો કોઈને આવડતા નથી એ તો ઠીક છે પણ દેશી હિસાબના અગિયારાથી વીસા કોઈ પણ ગ્રેજ્યુએટને આવડતા નથી તો એકવીસાથી ત્રીસા અને એકત્રીસાથી ચાલીસાના આંક તો પૂછાય જ કેમ ? આવા યુવાનને પોતાની પુત્રી પરણાવવી એ ગુજરાતી પિતાના દુર્ભાગ્ય નહિ તો બીજું શું છે ? નવી પેઢીનું કેટલું અજ્ઞાન જુની પેઢીએ ચલાવી લેવાનું. પછી ગૃહસ્થ પોતે ઘરમાં એકલા એકલા બબડે કે છોકરાવના કામમાં કંઈ ઠેકાણા હોતા નથી. ખરેખર તો જેને ઘરમાંથી હિસાબના સંસ્કાર મળ્યા નથી એવા સંતાનો ઓક્સફર્ડમાં ભણે કે કેમબ્રિજમાં, એના કામમાં કોઈ ભલીવાર હોવાની નહિ. પાયાની ભુલો ત્યારે નડે જ્યારે ઉપરના માળ લેવાના આવે. છોકરાવ વીસી વટાવે ને આમતેમ કરી પચીસીએ પહોંચે ત્યારે ઉપરના માળ લેવાનું ટાણું આવે. ભોળી માવડી તો ઘરમાં વહુ લાવવાની વાટ જોતી હોય. માતાને ક્યાં ખબર હોય કે એના રાજકુંવરે કોલેજના વરસો કેમ વેડફી નાંખ્યા છે ?

કોલેજમાં દાખલ થવાથી કોઈ ચમત્કાર તો થઈ જવાનો નથી. કેટલાક વિદ્યાર્થીઓને કોલેજમાં જવાનું બહુ મન હોય છે. અને તમને એમ હોય છે કે જેની આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હતા એ ઉત્સવની શરૂઆત હવે થઈ ગઈ છે. કોઈને ત્રણ વર્ષ તો કોઈ ચાર વર્ષ આ ઉત્સવની મોજ માણવા મળવાની હોય છે. જેમનામાં કોલેજ જીવનની જિજ્ઞાસા છે અને માત્ર કોલેજિયન થઈને જલસા કરવા છે તેમને માટે ખરેખર કોલેજમાંથી પ્રાપ્ત કરવા જેવું કશું નથી. કારણ કે તેમને તો કોલેજની બહાર ના જીવન સાથેનો જ સંબંધ હોય છે અને એમાં જ રસ હોય છે. કોલેજની અંદર જે અભિનવ શોધ અને સંશોધનથી વિદ્યાશાખા સતત અભિવૃદ્ધિ થતી હોય છે એમાં ભાગ્યે જ એ લોકોને રસ પડે છે. એટલે પરિણામ એ આવે છે કે માતા-પિતાએ સેવેલા સપનાઓનો અને એ માટેનું આર્થિક રોકાણ સંપૂર્ણ નિરર્થક નીવડે છે. એનો જ્યારે સરવાળો બેસે છે ત્યારે એટલે કે ત્રણ કે ચાર વર્ષ પછી ખબર પડે છે કે કંઈક તો ગરબડ છે.

મોટેભાગે તો આવા સંજોગોમાં દુનિયાની મહાન વિદ્યાશાખાઓની ટીકા કરવામાં આવે છે અને ક્યારેક કોલેજ અને યુનિવર્સિટી પણ એવી ટીકાઓનો ભોગ બને છે. આવી જ રીતે આપણે આપણા દેશમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવી મહાન વિદ્યાશાખા ધ્વસ્ત કરી નાખી છે. આ એ વિદ્યાશાખાઓ છે કે જેની માનવજાતને ડગલેને પગલે જરૂર છે. હવે પરિસ્થિતિ એવી આવવાની છે કે ભારતે વિશ્વના અનેક દેશોમાંથી એન્જિનિયરો ‘આયાત’ કરવા પડશે.