કુકાવાવ વાડિયા તાલુકાના કોલડા ગામમાં આજે ભાદરવા સુદ પૂનમના દિવસે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચઢાવીને આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલડા ગામના રહેવાસી હસમુખભાઈ વાલજીભાઈ સોરઠીયાએ યજમાન તરીકે બાવન ગજની ધજા ચઢાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. કોલડા ગામમાં આવેલું કોલેશ્વર ધામ એક વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ, રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ આ સ્થળે કોલવા ભગતને દર્શન આપ્યા હતા. આ કારણે કોલેશ્વર ધામમાં દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. કોલવા યુવક મંડળ અને કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે આ મંદિરે બાવન ગજની ધજા ચઢાવવાની પરંપરા જાળવવામાં આવે છે. આ ઉપરાંત, નાના બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક સ્થળ દૂર-દૂરથી આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.