ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇંધણના મૂળ ભાવમાં ફેરફાર કર્યા પછી, કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લિટર ૧૦૫.૪૧ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૨.૦૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. એક અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, “પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૪૦ પૈસાનો વધારો થયો છે.” જ્યારે ડીઝલ પ્રતિ લિટર ૨૦ પૈસા મોંઘુ થયું છે. જોકે, તેનાથી વિપરીત, પટણામાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૬૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે પૂર્વના અન્ય રાજ્યોમાં ઇંધણના ભાવ યથાવત રહ્યા.

મૂળભૂત કિંમત (જે કેન્દ્રીય અને રાજ્ય કર ઉમેરતા પહેલા તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરાયેલ માપદંડ તરીકે કામ કરે છે) ની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને વિવિધ ઓપરેશનલ અને લોજિસ્ટીકલ પરિબળોના આધારે ગોઠવણ કરવામાં આવે છે. જોકે આવા ફેરફારો સામાન્ય રીતે નાના હોય છે, પરંતુ તે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા ઇંધણના છૂટક ભાવ પર સીધી અસર કરે છે. આ તાજેતરનો વધારો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વીક ક્રૂડ ઓઇલના ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા છે અને ગ્રાહક ફુગાવો ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલના ભાવ નીચા સ્તરે રહ્યા છે. આના કારણે સરકારી તેલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જરૂર પડી નથી. મંગળવારે બપોરે, ક્રૂડ ઓઇલ ડબ્લ્યુટીઆઇ ૦.૧૫ ટકા અથવા ૦.૧૧ વધીને ૬૨.૦૫ પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું. તે જ સમયે, બ્રેન્ટ ઓઇલ ૦.૦૯ ટકા અથવા ૦.૦૬ ના વધારા સાથે ઇં૬૫.૦૨ પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું.