ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના વૃદ્ધને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા સુરતના એક શખ્સના નામે ધમકી આપવામાં આવી રહ્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્ટ કેસ કર્યાને લઇ આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઇંગોરાળામાં રહેતા ગોવિંદભાઇ તંતીએ સુરતના ભરત દેવસીભાઇ પડસાળા તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ભરત પડસાળાના નામે અવારનવાર અજાણ્યા માણસો આવી તેમના દીકરાએ ભરત પડસાળાની દીકરી ઉપર કોર્ટમાં કેસ કરેલ હોય, તે બાબતે ધમકીઓ આપી હતી. તથા ભરત પડસાળાએ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોવિંદભાઇની ફરિયાદને પગલે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.