દિલ્હીની એક કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના ૧૦ નેતાઓને સમન્સ જારી કર્યા છે. જે નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલેનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, પ્રતિબંધક આદેશો લાગુ હોવા છતાં, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ગયા વર્ષે ૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે નેતાઓને સમન્સ જારી કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ અને ફરિયાદની નોંધ લીધા બાદ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે આ કેસની સુનાવણી ૩૦ એપ્રિલે નક્કી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટીએમસીના નેતાઓ ગયા વર્ષે ૮ એપ્રિલે ચૂંટણી પંચના મુખ્ય દરવાજા સામે એકઠા થયા હતા અને કોઈપણ પરવાનગી વિના પ્લેકાર્ડ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કલમ ૧૪૪ લાગુ હતી પરંતુ નેતાઓએ વારંવારની ચેતવણીઓને અવગણી. આ પછી પોલીસે હ્લૈંઇ નોંધી.
કોર્ટે જે તૃણમૂલ કોંગ્રેસના ૧૦ નેતાઓને સમન્સ પાઠવ્યા છે તેમાં ડેરેક ઓ’બ્રાયન, મોહમ્મદ નદીમુલ હક, ડોલા સેન, સાકેત ગોખલે, સાગરિકા ઘોષ, વિવેક ગુપ્તા, અર્પિતા ઘોષ, ડા. શાંતનુ સેન, અબીર રંજન બિશ્વાસ અને સુદીપ રાહાનો સમાવેશ થાય છે.
હકીકતમાં, ટીએમસી નેતાઓએ ગયા વર્ષે સીબીઆઈ, ઇડી, એનઆઈએ અને આવકવેરા વિભાગના વડાઓને બરતરફ કરવાની માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે શાસક ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પ્રભાવ હેઠળ આ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.









































