દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે.
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમકોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમકોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રક્શનનો કેટલો ભાગ છે, પરંતુ તમે અમને જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઉપાય કયા હોવા જોઈએ. સીજેઆઈએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.
સુનાવણી શરૂ થયા પછી દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવિટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી. આ વિશે સીજેઆઈએ કહ્યું, કોઈ વાંધો નથી, દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજોબ અને હરિયાણામાં પરાલી સળગાવવાનો અને દિલ્હીમાં વાહન પ્રદૂષણનો મોટો હિસ્સો છે. રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ કોઈ ઉકેલ મળતો નથી.
દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ આજે ૪૭૬ છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ શુક્રવારે ચેતવણી આપી હતી કે આગામી ૪૮ કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર ‘ઓડ-ઇવન’ અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવાં જોઈએ.
સીપીસીબી અનુસાર, દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા પીએમ ૨.૫ (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ ૩૦૦ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે ૪ વાગ્યે એ ૩૮૧ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે પીએમ૨.૫નો સ્તર ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જોઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ ૬ ગણો વધુ છે. પીએમ ૨.૫ એટલું જોખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.