બોમ્બે હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કોર્ટના વચગાળાના આદેશના કથિત ઉલ્લંઘન બદલ ૫૦ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૨૩ માં મંગલમ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલ ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં વચગાળાના આદેશમાં પતંજલિ આયુર્વેદ લિમિટેડને તેના કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જસ્ટિસ આર.આઈ. છાગલાની સિંગલ બેન્ચે ૮મી જુલાઈના રોજ જણાવ્યું હતું કે પતંજલિએ જૂનમાં દાખલ કરેલી એફિડેવિટમાં કબૂલ્યું હતું કે કપૂર ઉત્પાદનોના વેચાણ સામે સ્ટેના અગાઉના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.
જસ્ટિસ છાગલાએ આદેશમાં જણાવ્યું હતું કે, “પ્રતિવાદી નંબર વન (પતંજલિ) દ્વારા ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજના આદેશનું ઉલ્લંઘન કોર્ટ દ્વારા સહન કરવામાં આવશે નહીં.” આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે પતંજલિને આદેશના ઉલ્લંઘન/અનામાન માટે આદેશ પસાર કરતા પહેલા ૫૦ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ કરવો યોગ્ય રહેશે. હાઈકોર્ટ આ કેસની વધુ સુનાવણી ૧૯ જુલાઈએ કરશે.