દુનિયામાં કોરોના મહામારી દરમ્યાન વિશ્વના અર્થતંત્રને કાર્યરત રાખવા માટે સરકારોએ લોકોની આવક વધારવા અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે મોટાપાયે નાણાં ખર્ચવાને કારણે સરકારો, બિઝનેસો પર ૩૦૦ લાખ કરોડ ડોલરના દેવાનો ડુંગર ખડકાયો છે.
આ દેવાના ડુંગરને કારણે જે દેશોના અર્થતંત્ર નબળાં છે અને જે દેશો પર્યાવરણ અને વધતી જતી વૃદ્ધોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમની હાલત કફોડી થશે તેમ વિખ્યાત અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે. ધનિક અને ગરીબ દેશો તહસનહસ થઇ ગયેલા નાણાંકીય તંત્રનું વિશ્લેષણ કરી રહ્યા છે ત્યારે ફુગાવાને કારણે સેન્ટ્રલ બેન્કો વ્યાજ દર વધારવાના માર્ગે આગળ ધપી રહી છે જેને કારણે નાણાંકીય પોલિસી કડક બનશે તેના કારણે દેવા ધરાવતાં દેશોની હાલત ઓર કફોડી બનશે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ ફાયનાન્સના સસ્ટેઇનેબિલિટી રિસર્ચ વિભાગના વડા અમેર ટિફટિકે જણાવ્યું હતું કે નાણાંકીય નીતિઓ કડક બનાવવામાં આવશે તો ઋણની કિંમતો વધશે અને સરકારો તથા રિઅલ એસ્ટેટ સેક્ટરો માટે વ્યાજનો બોજ વધશે.