ન તો કોવિડ મહામારી સમાપ્ત થવાનું નામ રહી છે, ન યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ. બંને દ્રૌપદીની સાડીની જેમ અંતહીન ખેંચાતાં જઈ રહ્યાં છે. નાટોના મહાસચિવ સ્ટોલ્ટેનબર્ગે બાઈલ્ડ આમસોલ્ટાગ નામના જર્મન અખબારને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે યુક્રેન યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કોઈ જોણતું નથી. આપણે તેના માટે કેટલો ખર્ચ કરવો પડશે તે આપણે સમજી લેવાની જરૂર છે.
આપણે યુક્રેનનું સમર્થન કોઈ કાળે બંધ કરવાનું નથી. યુક્રેનના સમર્થનમાં વધારે ખર્ચ છે તો પણ તે કરવાનું છે. ઊર્જા અને ખાદ્ય પદાર્થોની કિંમત વધતી જોય છે તે બાબતે પણ યુક્રેનનો સાથ આપવાનો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સને આ વિશે સન્ડે ટાઈમ્સ અખબારમાં એક આર્ટિકલ લખ્યો છે. તેમાં તેણે લખ્યું છે કે પશ્ચિમી દેશોએ લાંબા ગાળાના યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. આર્ટિકલ લખતાં પહેલાં બોરિસ જોનસને યુક્રેનના કિવ શહેરની મુલાકાત લીધી હતી.
તેમણે લખ્યું કે પુતિન આઠ વર્ષથી યુક્રેનના પૂર્વ ભાગ પર કબજો કરવાની યોજના ઘડી રહ્યા છે, પરંતુ તેનું આ સપનું આજ સુધી પૂરું થયું નથી. વળી તેમની નિષ્ફળતાનો પણ તેમને અંદાજ નથી. તેઓ માને છે કે તેઓ યુક્રેનને પોતાના કબજોમાં લઈ શકે છે. સ્ટોલ્ટેનબર્ગ કહે છે કે પુતિને ૨૦૦૮માં જ્યોર્જિયા પર અને ૨૦૧૪માં ક્રીમિયા પર કબજો કર્યો છે. વિશ્વ આ બંને ઘટનાઓને ચૂપચાપ જોતું રહ્યું. રશિયા માને છે કે યુક્રેન યુદ્ધમાં પણ બિલકુલ આવું જ થશે. તેનો આ વિચાર વિશ્વ માટે અત્યંત ખતરનાક છે. રશિયા યુક્રેન પર કબજો કરી લે ત્યારબાદ શાંતિ સ્થાપિત થઈ જોય એવી પણ કોઈ ગેરંટી નથી