ગુજરાતે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે રાજ્યમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે ૧૦,૦૦૦ વધુ મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૦,૦૯૮ હતો, જે સુધર્યા બાદ વધીને ૧૯,૯૬૪ થયો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં બે ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૪.૮૫ લાખ પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૧૦,૦૯૮ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે ૫૦,૦૦૦ રૂપિયાના વળતર માટે ૩૪,૬૭૮ અરજીઓ મળી હતી, જેમાંથી સરકારે ૧૯,૯૬૪ અરજીઓને માન્ય ગણીને વળતરની રકમનું વિતરણ કર્યું છે.
ગુજરાત સરકાર પર ભૂતકાળમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ઓછી દર્શાવવાનો પણ આરોપ છે. જો કે રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના આ આરોપોને નકારી રહી છે.
બે ન્યાયાધીશોની બેન્ચે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુમાં વળતરની ચુકવણીમાં વિલંબ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું કે તે ઓલ ઈન્ડિયા રેડિયો અને સ્થાનિક રેડિયો સ્ટેશનનો માધ્યમ તરીકે ઉપયોગ કરી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે, રેડિયો કોણ સાંભળે છે.
કોર્ટે કહ્યું, “સ્થાનિક અખબારોમાં કોઈ જોહેરાત કેમ નથી? તમે સામાન્ય માણસને કેવી રીતે કહેશો? તેઓ ૫૦,૦૦૦ રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. તમામ અખબારો, દૂરદર્શન અને સ્થાનિક ચેનલોમાં સંપૂર્ણ વિગતો સાથે જોહેરાતો આપવી જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરના મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. અન્ય રાજ્યો વતી હજુ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં જ્યાં કોરોનાનો સૌથી વધુ કહેર છે, ત્યાં માત્ર ૮ હજોર લોકોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે ૮૭ હજોરથી વધુ અરજીઓ મળી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.