હાસ્યાય નમઃ133

(1)મારો પુત્ર કેનેડા જવાનું વિચારે છે. મોકલવામાં કાંઈ વાંધો?

કરશનભાઈ લાખાણી (ધ્રોલ)

તમને વાંધો ન હોય, કેનેડાવાળાને પણ વાંધો ન હોય તો મને શું વાંધો હોય?

(2)પ્રેમ આંધળો હોય છે એવું શા માટે કહેવામાં આવે છે ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

કેમ કે સમાજ દેખતો હોય છે!

(3)એમ્બ્યુલન્સનો નંબર 108 જ કેમ રાખવામાં આવે છે?

ચાંદની એમ. ધાનાણી (અમદાવાદ)

આમાં તો જે નંબર નક્કી થયો હોય એ સ્વીકારી લેવાનો હોય.. બીજો સારો નંબર બતાવો એમ ન કહેવાય!

(4)સરકારને અપ્રમાણસર મિલકત અને ઇન્કમટેક્ષ દ્વારા જે આવક થાય એનો ઉપયોગ તરત કરી શકે?

રમેશભાઈ મુંજપરા (અમરેલી)

તમારો સવાલ જાહેર પરીક્ષાઓમાં પૂછી શકાય એવો છે. ક્યારેક મને પેપર કાઢવા બોલાવશે તો જરૂર આ સવાલ પૂછીશ.

(5)લોકો કંઈક પામવા માટે કંઈક ગુમાવતા હોય છે. તમે શું ગુમાવ્યું?

પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટા લીલીયા)

પાંચસો રૂપિયાના છુટા લેવા ગયો ત્યારે સો રૂપિયાવાળી પાંચ નોટ તો મળી પણ પાંચસોની નોટ ગુમાવી.

(6)તમને છત્રી ગમશે કે રેઇનકોટ?

જયદીપકુમાર પ્રજાપતિ (જે.ડી) (વાંકિયા-બાબરા)

બન્ને મોકલો. વરસાદમાં છત્રી ઓઢી રાખું એટલે રેઇનકોટ તો ન પલળે!

(7)મેકઅપ કરી આપનાર બહેનનો મેકઅપ કોણ કરી આપતું હશે?

કનુભાઈ લિંબાસિયા  ‘કનવર’  (ચિત્તલ)

આ કુતૂહલવૃત્તિ એક દિવસ જરૂર આપને બ્યુટીપાર્લર સુધી લઈ જશે,જોજો!

(8) સાદી સોડા અને મસાલા સોડામાં શું તફાવત?

રામભાઈ પટેલ (સુરત)

તમે એકલા નીકળ્યા હો ત્યારે પીઓ છો એ મસાલા સોડા અને ઘણાં બધાં લોકો એ જ સમયે દુકાને આવી જાય ત્યારે તમે જે પીવડાવી દો છો એ સાદી સોડા!

(9) તમે તમારા પત્ની  સાથે ઝગડો કરો ત્યારે તમારા બન્નેમાંથી વિજેતા કોણ થાય છે?

રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)

અમારો ઝઘડો રશિયા યુક્રેનની જેમ પૂરો જ નથી થતો (નોંધ-યુક્રેન એટલે હું!).

(10) રમતગમતમાં તમને કેવો રસ?

જય દવે (ભાવનગર)

મને કાનખજૂરાઓ વચ્ચે ફૂટબોલની મેચ રમાડવાનું મન થયું છે.

(11) હું હમણાં સિવિલ એન્જિનિયર બની જઈશ. તમારે બાંધકામને લગતું કોઈ કામ હોય તો કહો.

આદિત્ય ઓઝા (અમદાવાદ)

મને નદીની અંદર, નદી નીકળે ત્યાંથી દરિયામાં ભળી જાય ત્યાં સુધી લાંબો એક પુલ બાંધી આપો.

(12) લગ્નમાં કંસાર જ કેમ પીરસાય છે?

રમાબેન પટેલ (અમદાવાદ)

ગોરદાદા સાદ કરે કે મંડપ મધ્યે સમોસા પીરસવાનો સમય… એ કાંઈ સારું ન લાગે.

(13) આદર્શ ગેસ્ટ કોને કહેવાય?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

ઘરધણીનો સમય વેસ્ટ ન કરે એને.

(14)કોરોનાએ ફરી માથું ઊંચક્યું..

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

તમે બ્રેકીંગ ન્યૂઝ આપવામાં ચાલો એમ છો.

(15)દરેક ખુરશીમાં ચાર પાયા જ હોય છે એ તમને ખબર છે?

ભાવિન દેસાણી (તળાજા)

ના, હું તમારી જેમ ખુરશી નીચે નથી બેસતો!