કોડીનાર તાલુકાના કંટાળા થી વડનગર, સિંધાજ અને દેવળી ગામોને જોડતો લગભગ ૧૫ કિ.મી.નો માર્ગ ચોમાસાના કારણે અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. આ માર્ગ દસેક ગામડાઓને કોડીનાર સાથે જોડે છે અને હોસ્પિટલ પહોંચવા માટે એકમાત્ર સુવિધા છે. ખાસ કરીને વડનગર ગામમાં દોઢ કિ.મી.નો રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે કોઈ પણ ઈમરજન્સીમાં દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શકે તેમ નથી. સિંધાજ ગામમાંથી પસાર થતા માર્ગ પર રોડના સળીયા બહાર આવી જતા વારંવાર અકસ્માતો સર્જાય છે, જ્યારે ગીરદેવળી ગામનો રસ્તો પણ દયનીય હાલતમાં છે. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પ્રશાસન ઉપર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે. વિસ્તારના પત્રકાર અને સામાજિક કાર્યકર રામસિંહભાઈ ગોહિલે મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને પીજી પોર્ટલ મારફતે તાત્કાલિક રસ્તો સુધારવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. બિસ્માર રોડના સમારકામ બાબતે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.