ગુરુનાનક જયંતિના પાવન દિવસે પરમ પૂજય લાડી લોહાણા સિંધી સમાજ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સંચાલિત લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા આધુનિક વિચારધારા યુક્ત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બેટી બચાવો- બેટી પઢાઓ અભિયાનને યથાર્થ કરવા જે પરિવારને ત્યાં ૨૦૧૫ પછી બે દીકરીઓનો જન્મ થયો હોય તેમને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ વરિષ્ઠ નાગરિક સન્માનથી સમાજના આધારશીલા રૂપ વડીલોને સ્વમાનભેર સન્માનિત કરી સમાજ પ્રત્યે તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જેમણે સમાજસેવાને જ પ્રભુસેવા માની અને પોતાનું સમગ્ર જીવન સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું તેવા મહાનુભાવોને સિંધી સમાજ રત્નના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નારી તું નારાયણીમાં માનનાર સિંધી સમાજે મહિલા મંડળના પ્રમુખને નારી શક્તિ સન્માનથી સન્માનિત કર્યા હતા. યુવાઓને સમાજની સાચી શક્તિ માની પૂર્વ અને હાલના યુવા પ્રમુખોને પણ તેમના યોગદાન સ્વરૂપે સન્માનિત કર્યા હતા.









































