કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજય સરકારે બહાર પડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતે. સરકારે બહાર પાડેલા ૧૩૫૬ નાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જિદ્દ સાથે ખેડૂતોએ હોબાળો કરી હરરાજી બંધ કરાવી યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કરાવી કોડીનાર મામલતદાર ઓફિસે પહોંચી સૂત્રોચ્ચાર સાથે પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોડીનાર યાર્ડમાં આ મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત આંકતા હોય છે પણ છેલ્લા બે દિવસથી સરકારે કોડીનારમાં ટેકાના ૧૩૫૬ ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં આજે ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવે જ ખરીદી શરૂ કરવાની જીદ્દ કરી હોબાળો કરી હરરાજી બંધ કરાવી હતી. સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ મોડું મળે છે. દરેક નાના ખેડૂતને સરકારના મગફળી દેવામાં વાર લાગે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે.