જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓને તેમની શ્રેષ્ઠ અને પ્રશંસનીય કામગીરી બદલ રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મીઓની પ્રમાણિકતા અને માનવતાભરી કામગીરીથી જિલ્લા પોલીસનું ગૌરવ વધ્યું હતું. કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઇલ, મોટર સાયકલ, રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થયાની અરજીઓ બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ કરીને પોલીસે આશરે રૂ.૪૧,૧૧,૧૪૦ની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે પોલીસકર્મીઓ ભગવાનભાઈ જીણાભાઈ રાઠોડ અને ભીખુશા બચુશા જુણેજાને પ્રત્યેકને રૂ.૧,૫૦૦નો રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓએ માનવતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.