કોડીનાર તાલુકાના અડવી ગામે છેલ્લા કેટલાયે દિવસોથી એક સિંહ પરિવારે ગામની અંદર ઘૂસી સાત ગાય, વાછરડાઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગત રાત્રિ દરમ્યાન આ સિંહ પરિવાર પાંચ કિ.મી. દૂર આવેલ ગીરગઢડા તાલુકાના સોનપરા ગામે ત્રણ ગાયોનું મારણ કર્યું હતું. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં પણ આ સિંહ પરિવાર રખડતી ગાયોનું મારણ કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. બોડીદર, સોનપરા, અડવી, ડોળાસાની સંયુક્ત સીમમાં સાવજો, દીપડા પડ્‌યા પાથર્યા રહે છે. હાલ ખેતીવાડીની સિઝન ચાલે છે. કામ સબબ ખેડૂતોને અવારનવાર વાડીએ જવું પડે છે. ખેતીની સિઝનમાં જ વન્યપ્રાણીઓનો આતંક વધતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.