ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ, કોડીનાર નગરપાલિકાએ શહેરભરમાં વ્યાપક સફાઈ અભિયાન અને રોગ નિવારણ કાર્યવાહી શરૂ કરી છે. વરસાદ બંધ થતાં જ તાત્કાલિક સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે છારા ઝાપા, મુખ્ય બજાર, બસ સ્ટેશન અને દરગાહ દરવાજા સહિતના સ્થળોએ JCB મશીનો દ્વારા કાદવ-કીચડ દૂર કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે, સફાઈ કર્મચારીઓ દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે નગરપાલિકાએ વિશેષ પગલાં લીધા છે. શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી પાણીજન્ય રોગોને નિયંત્રિત કરી શકાય.