સોમનાથ જિલ્લાના સમરસ ગામ સિંધાજમાં અનુસૂચિત જાતિના વાઝા પરિવારના કુળદેવીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સાથે સુરાપુરા વાસાદાદા તેમજ મેલડી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યમાં વાઝા પરિવારના અલગ અલગ ગામોમાં સ્થળાંતર થયેલા પરિવારોએ પણ ભાગ લીધો હતો. જેમાં ગ્રામજનોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ મૂર્તિઓને પ્રથમ દિવસથી જ તજજ્ઞ વૈદિક બ્રહ્મદેવો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધાથી કરવામાં આવેલ, આ વિધિમાં લગભગ ૩૬ જેટલા દંપતીઓ સજોડે બેસી માતાજી અને પૂર્વજોમાં શ્રદ્ધા રાખી સારા દિવ્ય વાતાવરણમાં મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, વિભાગ સામાજિક સમરસતા સંયોજક, જિલ્લા સીમા જાગરણ મંચના અધ્યક્ષ, કોડીનાર તાલુકા સામાજિક સમરસતા સંયોજક, ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.