રાજયભરમાં એક મહિના કરતા વધારે સમયથી સતત વરસી રહેલા વરસાદથી લગભગ તમામ જળાશયો અને ડેમ તથા નદી, નાળા છલકાઈ ગયા છે. અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે તો સૂર્યના દર્શન પણ દુર્લભ બન્યા છે અને વરાપ નહીં નીકળવાના કારણે મોલાતો નિષ્ફળ જઈ રહી છે. વરસાદ હવે પોષવાને બદલે નુકસાની કરી રહ્યો છે. દરમ્યાન કોડીનાર તાલુકામાં પણ સતત વરસાદથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે આજે પણ કોડીનાર પંથકના ડોળાસા તેમજ આજુબાજુના ગામોમાં સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે. જે સાંજના ૬ વાગ્યા સુધીમાં સવા બે ઈંચ સુધી પહોંચી ગયો હતો. કુલ મળીને સિઝનનો ર૮ ઈંચ આજુબાજુ વરસાદ નોંધાયો છે. કોડીનારના ડોળાસા વિસ્તારમાં આવેલ ચંદ્રભાગા, શાંગવડી, માંઢ અને રૂપેણ નદીના પ્રવાહમાં વધારો થયો છે. જયારે પીછવી તળાવ અને પાંચ પીપળવાનો ડેમ ઓવરફ્લો થયો છે.