કોડીનાર તાલુકાના અડવી ગામે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પરમાર પરિવારના કુળદેવી વાઘેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ નવનિર્મિત મંદિરમાં તા. ૨૧/૫ થી ૨૩/૫ દરમિયાન ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો.
ડોળાસા નજીકના અડવી ગામે આવેલા આ નવનિર્મિત ભવ્ય મંદિરના નિજ મંદિરમાં વાઘેશ્વરી માતાજીના પ્રતીક રૂપે ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ દિવસના આ ધાર્મિક માહોલમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવના અંતિમ દિવસે, તા. ૨૩/૫ ના રોજ મહાઆરતી બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અડવી ગામના જેઠાભાઈ ગોવિંદભાઈ પરમાર અને જેશિંગભાઈ ગોવિંદભાઈ પરમારના પરિવારજનો દ્વારા આ ભવ્ય મંદિરના નિર્માણ માટે જગ્યા ફાળવવામાં આવી હતી અને મંદિરનું નિર્માણ કાર્ય પણ તેમના સહયોગથી થયું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અને સમૂહ પ્રસાદના યજમાન પણ પરમાર પરિવારના સભ્યો રહ્યા હતા.