ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા અને આસપાસના ૪૦ ગામોમાં મેઘરાજાએ રિસામણા લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચાલુ ચોમાસામાં અષાઢ જેવા વરસાદના મુખ્ય મહિનામાં માત્ર સાત ઇંચ વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો કુલ વરસાદ છે. આ અતિ ઓછા વરસાદને કારણે ખેડૂતોની મોલાત સુકાવા લાગી છે. ડોળાસા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેતરોમાં વાવણી થઈ શકી નથી તેવા ખેતરોમાં જમીનમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે ભયાનક દ્રશ્યો સર્જાયા છે. ખેડૂતો આકાશ સામે મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા પંદર વર્ષની સરખામણીમાં અષાઢ મહિનામાં સરેરાશ ૩૦ ઇંચ વરસાદ થતો હતો, તેની જગ્યાએ આ વર્ષે માત્ર સાત ઇંચ વરસાદ થતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. શ્રાવણ માસની સુદ બારસ વીતી ગઈ હોવા છતાં વરસાદનો છાંટો પણ ન પડતા જગતનો તાત લાચાર અનુભવી રહ્યો છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની તીવ્ર અછત છે. જો એક-બે દિવસમાં સારો વરસાદ નહીં થાય તો ચોમાસુ પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે. દેશના અન્ય રાજ્યો અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ થયો હોવા છતાં, ખાસ કરીને કોડીનાર તાલુકાના ડોળાસા પંથકમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બની છે.







































