કોડીનાર એસ.ટી.ડેપોમાં મુસાફરોની સુવિધાને બદલે ડ્રાઈવર અને કંડક્ટરની મરજી ચાલી રહી હોવાના આક્ષેપોથી ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, કોડીનારથી સવારે સાડા સાત વાગ્યે ઉપડતી કોડીનાર-કૃષ્ણનગર બસના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ, કૃષ્ણનગર (અમદાવાદ)થી સવારે આઠ વાગ્યે ઉપડતી બસનો સમય અચાનક બદલીને વહેલી સવારે પાંચ વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનું કારણ ડ્રાઈવરને અમદાવાદના ટ્રાફિકમાં પડતી મુશ્કેલી જણાવવામાં આવી રહ્યું છે. મુસાફરોનું કહેવું છે કે આ ફેરફાર માત્ર ડ્રાઈવરની સગવડ માટે કરવામાં આવ્યો છે, જ્યારે મુસાફરોની સુવિધાની કોઈ કાળજી લેવામાં આવી નથી. સવારે પાંચ વાગ્યે બસ ઉપડવાના કારણે અમદાવાદ, અમરેલી, ઢસા અને ખાંભાથી ઉના-કોડીનાર મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ ત્રણ કલાક વહેલી ઉપડવાના કારણે અમરેલી એક વાગ્યે અને ખાંભા બે વાગ્યે પહોંચે છે, જે મોટાભાગના મુસાફરો માટે અનુકૂળ નથી. વળી, આ સમયગાળા દરમિયાન કોડીનાર અને ઉના વચ્ચે અન્ય કોઈ બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો વધુ પરેશાન થઈ રહ્યા છે. આ મુસાફર વિરોધી નિર્ણયથી કોડીનાર ડેપો મેનેજર અને અમરેલી વિભાગીય નિયામક સામે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જો આગામી દિવસોમાં કૃષ્ણનગર-કોડીનાર બસનો સમય રાબેતા મુજબ કરવામાં નહીં આવે તો કોડીનાર ડેપોના સંચાલકો સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.










































