કોડીનાર-ઉના હાઈવે પર થોડા દિવસ અગાઉ પકડાયેલ શંકાસ્પદ બોલેરોમાંથી મળેલા માંસના નમૂનાના લેબ રિપોર્ટમાં ગૌમાસના અંશો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક યુવકો દ્વારા શંકાના આધારે રોકવામાં આવેલ આ બોલેરોને કોડીનાર પોલીસે કસ્ટડીમાં લીધી હતી. પોલીસે વાહનમાં ભરેલા માંસના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. લેબ પરીક્ષણમાં પુષ્ટિ થઈ છે કે કોથળામાં ભરાયેલું માંસ ભેંસ અને ગૌમાસના અંશો ધરાવતું હતું. આ ખુલાસા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને માંસની ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.