કોડીનાર-ઉના વચ્ચે બની રહેલ ફોરટ્રેક રોડનું કામ છેલ્લા છ વર્ષથી શરૂ છે. રોડની કામગીરી એટલી ધીમી ગતિએ ચાલી રહી છે કે રોડ બનતા હજુ છ વર્ષ લાગી જશે તેવું લાગી રહ્યાનું લોકો કહી રહ્યા છે. આ રોડ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે પરંતુ કામગીરીની દેખરેખ કોણ રાખે છે તે અંગે લોકો અજાણ છે. રોડની કામગીરી લોલમલોલ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો તેમ છતાં કોઇ ફરક પડ્યો નથી. બીજી તરફ કોડીનારના ડોળાસામાં બની રહેલ ઓવરબ્રિજનું કામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું છે. ત્યારે આ બંને કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ડોળાસાના ભવસિંહભાઇ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે.