કોડીનાર તાલુકાના ડોળાસા સહિતના અનેક ગામો અને ઉના તાલુકાના કેટલાક ગામોમાં શિંગવડા ડેમની નહેરનો લાભ આપવા અનેક ગ્રામ પંચાયતોએ ગુજરાત સરકારને સામૂહિક રજૂઆત કરી છે. કોડીનાર તાલુકાના ઉદ્ધાર સમો શિંગવડા ડેમ ગીર પંથકનો સૌથી મોટો ડેમ છે. તાલુકાના અનેક ગામોને શિંગવડો ડેમની કેનાલનો વર્ષોથી લાભ મળે છે. પણ ડોળાસા વિસ્તારના કોડીનાર તાલુકાના ડોળાસા, વેળવા, અડવી, માલગામ, પાંચ પીપળવા, ઉપરાંત ઉના તાલુકાના લેરકા, સોખડા, કોબ, કાજરડી, ભિંગરડ વિગેરે ગામો છે જે તમામ ગામોની જમીન ફળદ્રુપ અને ઉપજાઉ છે પણ તળમાં પાણી નથી. તો કેટલાક ગામોના તળમાં ખારા પાણી છે જેના કારણે ખેડૂતો શિયાળુ પાક નહિવત મેળવે છે અને ઉનાળુ પાક તો લઈ જ શકતા નથી. જેના કારણે ડોળાસા પંથકના ખેડૂતો દિન- રાત મહેનત કરવા છતાં પૂરી ઉપજ મેળવી શકતા નથી. શિંગવડા ડેમની નહેરનું પાણી આ ગામોને મળે તો ડોળાસા વિસ્તારની જમીન અને ખેડૂતોની દિશા અને દશા બદલાઈ જશે.