કોડીનાર તાલુકાના અડવી ગામે છેલ્લા છ વર્ષથી બની રહેલ ફોરટ્રેક સી.સી. રોડની કામગીરી કાચબા ગતિએ આગળ વધી રહી છે. દરમિયાનમાં ચોમાસાની સિઝન શરૂ થતા આ રોડ પર કીચડનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ડોળાસા થી કોડીનાર વચ્ચેના માત્ર ૧૮ કિ.મી. જેવા ટૂંકા અંતરના રોડનું કામ હજુ સુધીમાં અડધે પહોંચ્યું છે. હાઇ-વે ઓથોરિટીની અણઆવડતના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાઇ-વેથી અડવી ગામનો રસ્તો રિપેર કરવા અને પેવર બનાવવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર માટી નાખી દેવામાં આવતા લોકો વિરોધ કરે તે પહેલા જ વરસાદ પડતા કીચડનું સામ્રાજ્ય છવાયું છે. ત્યારે આ અંગે યોગ્ય કરી પેવર રોડ બનાવવામાં આવે તેવી અડવી ગામના સરપંચ મનુભાઇ ડોડીયા દ્વારા માંગ કરવામાં આવી છે અન્યથા ગામ લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.