કોડીનાર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની કોમી એકતાના માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બ્રહ્મપુરી ખાતે સવારે પૂજન-અર્ચન, મહા આરતી અને અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરાયું હતું. બપોરે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ‘જય પરશુરામ’ના નાદ સાથે મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. ડી.જે.ના તાલે નીકળેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે પુનઃ બ્રહ્મપુરી પહોંચી હતી, જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષારભાઈ પંડ્યા સહિત વિવિધ સમાજના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ મહેતા તથા બિપિનભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળ અને યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ ઉત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું.










































