કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના કોડીનાર મામલતદાર કચેરીની પાછળના ભાગે બની હતી, જ્યાં એક બાળક ડૂબી રહ્યો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં બીજા બાળક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બંનેના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક બાળકોમાં એકની ઉંમર ૭ વર્ષ અને બીજાની ઉંમર ૧૬ વર્ષ હતી. ઈસ્માઈલ નામનો ૭ વર્ષીય બાળક નદીમાં ડૂબી રહ્યો હતો. તેને જોઈને ૧૬ વર્ષીય શમશેરઅલી રેહમાનઅલી, તેને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો પરંતુ કમનસીબે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક કોડીનારની સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.