કોડીનાર મેમણ મુસ્લિમ સમાજ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સહયોગથી ૨૫મી મે, ૨૦૨૫ના રોજ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર ખાતે રવિવારે સાંજે ૮ઃ૩૦ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૨ યુગલોએ ઇસ્લામી તોર-તરીકા મુજબ પાક બંધનમાં જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી. સૌપ્રથમ, મુસ્લિમ સમાજના પવિત્ર ગ્રંથ કુરાન શરીફની તિલાવત સાથે ૧૨ દુલ્હા-દુલ્હનને કલમા પઢાવી, એક જ મંડપ નીચે નિકાહ શરીફનો કાર્યક્રમ આન-બાન-શાનથી સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના પ્રમુખ અહેસાનભાઈ નકવી, ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મેમણ સમાજના અગ્રણી દાઉદભાઈ ઝમઝમ, વેપારી અગ્રણી રમેશભાઈ બજાજ, હમિદ ગોડીલ, ફારૂકભાઈ સોરઠીયા, નદીમભાઈ કેશોદવાલા, સફીભાઈ અને અહમદભાઈ સોપારીવાલા સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અનેક નામી-અનામી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું શિલ્ડ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમૂહલગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, સમૂહલગ્ન મહોત્સવના આયોજક મેમણ મુસ્લિમ જમાતના પ્રમુખ રફીકભાઈ કચ્છી તેમજ સમસ્ત મેમણ સમાજના વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.