કોડીનારમાં શ્રીજી જવેલર્સ નામની દુકાન ધરાવતા અને સોનાના દાગીના બનાવતા લલિતભાઈ બી. લોઢીયાએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મોરડીયા ગામના અરજનભાઇ ભોળાએ કોડીનાર પોલીસમાં કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, અરજનભાઇ ગત તા.૧૦-૬નાં રોજ શ્રીજી જવેલર્સ નામની દુકાનમાં સોનાના દાગીના બનાવવા માટે ગયા હતા. ત્યારે દુકાન માલિક લલિતભાઈને દાગીના બનાવવા માટે રૂ.બે લાખ સુથી પેટે અને જુના દાગીના ૧૦.૭૮ ગ્રામ આપેલ હતા. ઉપરાંત સોનાનો સેટ તથા મંગળસૂત્ર બનાવવા માટે ઓર્ડર પણ આપ્યો હતો. ત્યારે દુકાન માલિક લલિતભાઈએ તા.૨૭-૬ ના રોજ દાગીના લઈ જવા જણાવ્યું હતું. જેથી ઉપરાક્ત દુકાને અરજનભાઈ ગયા હતા પરંતુ દુકાન બંધ હતી. આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, આ દુકાન ચાર દિવસથી બંધ છે. જેથી લલિતભાઈના મુકામે ગયા હતા. જ્યાંથી જાણવા મળેલ કે તેઓ મકાન વેંચી કોડીનાર જતા રહ્યા છે. જે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.