ગીર સોમનાથ એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે કોડીનારની દક્ષિણામૂર્તિ સોસાયટીમાં વહેલી સવારે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનું આખું કારખાનું ઝડપી પાડ્‌યું છે. પી.આઈ. એસ.પી. રાજપૂત અને પી.એસ.આઈ. એચ.એલ. જેબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્‌યું હતું. પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ગોહિલ, ઉદયસિંહ સોલંકી અને ઈમ્તિયાઝભાઈ સોઠાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૬૬૫ લિટર દેશી દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. ૨૯,૪૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ સ્થળેથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.