ગત તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ કોડીનાર ખાતે યોજાયેલી ૬૯મી ગીર સોમનાથ જિલ્લા શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં ડીએલએસએસ (DLSS) સોમનાથ એકેડમીની બહેનોની ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, પરંતુ સોમનાથ એકેડમીની ટીમોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો.સોમનાથ એકેડમીની અંડર-૧૪, અંડર-૧૭, અને અંડર-૧૯ એમ ત્રણેય કેટેગરીની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ જીતથી શાળા અને ખેલાડીઓના પરિવારોનું ગૌરવ વધ્યું છે. આ સફળતા બદલ સોમનાથ એકેડમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈ સોલંકી, મેનેજર રણજીતભાઈ દાહીમા, કબડ્ડી કોચ રીટા ચૌધરી અને શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. આ વિજેતા ખેલાડીઓ હવે આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.










































