ઐતિહાસિક રેકોર્ડની સિદ્ધિ મેળવનાર દીકરીઓમાં કોડીનાર તાલુકાના મૂળ કાજ ગામના ખેડૂત વજુભાઈ દુર્લભભાઈ પરમારની ધોરણ ૨માં અભ્યાસ કરતી પૌત્રી મૈત્રી રોહિતભાઈ પરમાર અને કોડીનારમાં દરજી કામ કરતા ગીતા ટેઈલર વાળા રમેશભાઈ ગાંડાભાઈ ચૌહાણની ધોરણ ૪માં અભ્યાસ કરતી પૌત્રી આરાધ્યા પંકજભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.
આ બંને દીકરીઓએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજ લિખિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના સંપૂર્ણ ૩૧૫ સંસ્કૃત શ્લોકો સુંદર રીતે કંઠસ્થ કર્યા હતા. ગત બીજી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વડોદરા મુકામે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મ જયંતી પ્રસંગે ‘મિશન રાજીપો’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા લાખો હરિભક્તોની ઉપસ્થિતિમાં ૧૨,૭૨૩ જેટલા બાળકોએ આ ૩૧૫ શ્લોકોનું સંસ્કૃત ભાષામાં ગાયન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ ઐતિહાસિક રેકોર્ડમાં કોડીનારની આ બંને દીકરીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.