ગીર પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે કોડીનાર તાલુકાની જીવાદોરી ગણાતો શિંગોડા ડેમ ૯૮% ભરાઈ ગયો છે, જેના કારણે આજે તેના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક જળવાઈ રહેતા પ્રતિ સેકન્ડ ૨૩૨૫ ક્યુસેક પાણી શિંગોડા નદીમાં છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોડીનાર શહેર અને નદી કાંઠાના ૨૨ ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિંગોડા ડેમ, જે ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ડેમ ગણાય છે, તે ગીર જંગલની મધ્યમાં આવેલો છે. તેમાં ૧૫૦થી વધુ ઝરણાં અને શિંગોડા નદીના પાણીની આવક થાય છે. સિઝનના પ્રથમ વરસાદથી જ ડેમમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે, જે કોડીનાર શહેર અને ૧૯ ગામોને પીવાનું પાણી અને ૧૨ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ડેમની કુલ સપાટી ૧૮.૮૦ મીટર (૬૧.૬૮ ફૂટ) છે, જે પૈકી ૧૮.૬૫ મીટર (૬૧ ફૂટ) ભરાતા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. આ સમાચારથી પાણીની સમસ્યાનો અંત આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. જોકે, બીજી તરફ, ડેમમાં સતત પાણીની આવકને કારણે અને વધુ વરસાદની આગાહીને પગલે સિંચાઈ વિભાગે સાવચેતીના ભાગરૂપે દરવાજા ખોલ્યા છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. સિંચાઈ વિભાગનો સ્ટાફ ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યો છે અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ કરી છે.








































