કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોંદરાપરા પ્રાથમિક શાળાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ શાળાના એકસાથે ૧૩ બાળકોએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં સફળતા મેળવી છે અને શિષ્યવૃત્તિ માટે યોગ્યતા પ્રાપ્ત કરી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ગોંદરાપરા પ્રાથમિક શાળા, ડોળાસાના ધોરણ ૮ના તેર બાળકોનો મેરિટમાં સમાવેશ થયો છે. આ તેર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે કુલ ૯૪,૦૦૦ રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. શાળાના આચાર્ય સંદીપભાઈ મોરી અને સમગ્ર સ્ટાફ દ્વારા મેરિટમાં સમાવિષ્ટ તમામ બાળકોને અભિનંદન પાઠવીને બિરદાવવામાં આવ્યા હતા. સાથે સાથે, ચાલુ વર્ષમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવા માટે શાળા પરિવાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.