સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઓછી એસટી સુવિધા ધરાવતો ડેપો એટલે અમરેલી વિભાગનો કોડીનાર ડેપો. આ ડેપોને અમરેલી વિભાગ દ્વારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ક્યારેક વાહનોની ઘટ હોય તો ક્યારેક સ્ટાફની ઘટ. કોડીનાર ડેપોથી નવા રૂટ શરૂ કરવા તથા બંધ રૂટ શરૂ કરવા અવારનવાર માગણીઓ હોવા છતાં પણ એકપણ નવો રૂટ શરૂ નથી કરાયો. કોડીનાર ડેપોના બંધ રૂટ પણ શરૂ ન કરાયા. ચાલુ વર્ષે કવાટ-સોમનાથ, માંડવી-સાળંગપુર, જંબુસર-બોટાદ , જેસર-સુરત, અડાજણ-આકોલવાડી, અડાજણ-સતાધાર જેવા તદ્દન નવા રૂટ શરૂ કરાયા છે. જ્યારે બીજી તરફ કોડીનારમાં બગસરાની લોકલ બસ તથા અમુક આવતા રૂટ સ્ટાફ શોર્ટેજના કારણે બંધ રાખવામાં આવે છે. કોડીનાર-ગાધીનગર તથા કતારગામની બસ બારે મહિના પેક દોડે છે છતાં અમરેલી વિભાગના પેટનું પાણી હલતું નથી. કોડીનારના રાજકીય અગ્રણીઓ પણ આ બાબતે અવારનવાર રજૂઆત કરી ચુક્યા છે. કોડીનારથી અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પોરબંદર, ઓખા, ભૂજ, હિંમતનગર, સિધ્ધપુર માટે ખાનગી વાહનોમાં પણ જગ્યા મળતી નથી. કોડીનારની જનતા ઘેટાં બકરાંની જેમ મુસાફરી કરી રહી છે.