કોડીનારના શીંગોડા ડેમમાંથી નીકળતી કેનાલ હાલ વિઠ્ઠલપુર અને આદપોકાર ગામ સુધી કાર્યરત છે. જો આ કેનાલને આગળ લંબાવવામાં આવે તો છેવાડાના અનેક ગામોને સિંચાઈ અને મોટા તળાવો પાણીથી ભરી શકાય તેમ છે. અડવી, ડોળાસા, જમણવાડા, વેળવા, પાંચ પીપળવા અને ચીખલી ગ્રામ પંચાયતો દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી ખેડૂતો આ કેનાલને લંબાવવાની માંગણી કરી રહ્યા છે. સરકારમાં આ બાબતે મૌખિક અને લેખિતમાં રજૂઆત જળ સંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાને કરવામાં આવેલ છે. જો આ કેનાલ દ્વારા આ ગામના તળાવ ભરવામાં આવે તો દરિયાઈ ખારાશનું આગળ વધતું પ્રમાણ અટકી શકે, ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને પાણીના તળ પણ ઊંચા આવે. શીંગવડા નદીમાં વહી જતું પાણી જો વિઠ્ઠલપુર કેનાલ દ્વારા સાંગાવાડી નદીમાં નાખવામાં આવે તો સોડમ બંધારા ડેમ ભરી શકાય અને પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાંથી કાયમી માટે દૂર કરી શકાય તેમ છે.







































