ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિધાનસભા મતવિસ્તારના વેલણ ગામે મહિલાઓમાં મતદાન જાગૃતિ લાવવા માટે અવસર રથ દ્વારા ગરબાના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગરબા એ ગુજરાતનો લોકપ્રિય તહેવાર અને મહિલાઓનો પસંદગીનો અવસર છે. ત્યારે ગરબાના માધ્યમથી મહિલાઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે મતદાન અંગેના ગરબા દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રથ દ્વારા લોકશાહીના પર્વમાં મતદાનનું મહત્વ તથા મહિલાઓની ભાગીદારી વધે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. વેલણ ગામની મહિલાઓ આ અવસરે ઉમંગ-ઉત્સાહથી સહભાગી થઈ હતી. તેમજ વેલણ ગામની બહેનોએ મતદાન અંગે શપથ લીધા હતાં. આ કાર્યક્રમમાં મામલતદાર કોડિનાર એન.જી.રાદડિયા તથા નાયબ મામલતદાર ભરત ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારી બી.જી.બગથરિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા ઝોનલ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.