કોડીનાર ખાતે મેમણ જમાત દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જીન પ્લોટ ગ્રાઉન્ડ ખાતે અસરની નમાઝ બાદ કુરાન શરીફની તિલાવત સાથે શરૂ થયેલા આ પ્રસંગમાં કુલ ૨૧ જોડાંઓએ વિધિવત નિકાહ પઢી નવા જીવનની શરૂઆત કરી હતી. જમાત તરફથી દરેક નવદંપતીને ઘરવખરી, બેડ, પંખા અને વાસણો સહિત ૮૦ જેટલી જીવનજરૂરી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, હરીભાઈ વિઠલાણી અને જીશાનભાઈ નકવી જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.









































