ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે મટકી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સીમા જાગરણ મંચ ગીર સોમનાથ અંતર્ગત શકિત કેન્દ્ર મૂળ દ્વારકા દ્વારા હિન્દુ એકતા અને સંગઠનના દર્શન થાય તેમજ ઉત્સવોમાં સમરસતા જળવાઈ રહે એ આશયથી મૂળ દ્વારકા બંદર આસપાસના ૧૬ ગામો વચ્ચે મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં મૂળ દ્વારકા, મઠ, ચૌહાણની ખાણ, ગોહિલની ખાણ, બરડા, કડવાસણ, પેઢાવાડા, કડોદરા અને દામલી ગામના ગોવિંદાઓએ ઉત્સાહભેર ભાગ લીધો‌ હતો. જેમાં ૨૬.૫૩ સેકન્ડમાં મટકી ફોડી મૂળ દ્વારકા ગામ પ્રથમ ક્રમે રહ્યું હતું. બીજા ક્રમે ‌૨૯.૦૯ સેકન્ડ‌ સાથે ચૌહાણની ખાણ અને ત્રીજા ક્રમે ૩૫.૪૭ સેકન્ડ સાથે મઠ ગામ રહ્યું હતું.