કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદર ઉપર ચાર દિવસ પહેલા રૂ. ૮ લાખની કિંમતથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને એક બોલેરો સાથે સ્થાનિક કેટલાક સાહસિક યુવાનોએ ઝડપીને પોલીસને સોંપવાની ઘટના બની હતી. પરંતુ પછી આ પ્રકરણમાં પોલીસે તપાસમાં કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવો ઘાટ ઘડાતા દારૂની હેરાફેરીમાં ખુદ વાડ ચીભડા ગળે તેવી પ્રતીતિ થઈ રહી છે. કારણ કે દરિયાઈ માર્ગે જે બોટમાં આ વિદેશી દારૂ ભરીને લાવવામાં આવેલ તે બોટને પોલીસે તપાસ કર્યા વિના જવા દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. આ ઉપરાંત બોટમાંથી પ્રથમ ભરાયેલી બે બોલેરો તંત્રની મહેરબાનીથી જ રવાના થઈ હતી તેની તપાસ પણ કરી નથી. દરિયાકાંઠે થતી ચહલપહલ સ્થાનિક લોકોની નજરમાં આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. આમ છતાં પોલીસ ઘટના સ્થળે ગઈ નહોતી. ત્રીજી બોલેરો ભરાઈને રવાના થવાની તૈયારીમાં હતી એ વખતે તેને કેટલાક સાહસિક યુવાનોએ વીડિયો ચાલુ રાખીને આંતર્યા હતા અને બાદ કંઈક નવાજૂની થશે તેવી પોલીસને પ્રતીતિ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને દારૂ ભરેલી બોલેરો સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.