કોડીનાર તાલુકાના મિતિયાજ ગામેથી બે દિવસ પહેલા એક પરણિતા ગુમ થઈ હતી જે બે દિવસ બાદ પરિણીતાની કોડીનાર-ઉના રોડ ઉપર પાણી ભરેલા ખાડામાંથી લાશ મળી આવતા પોલીસે આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કોડીનારના મિતિયાજ ગામે રહેતા લલીતાબેન રાહુલભાઈ મોરસિયા નામની પરિણીતા બે દિવસથી ગુમ હતા જેથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. બે દિવસ બાદ ઉના રોડ પર મજેવડીની સામેના એક ખેતરમાં પાણી ભરેલા ખાડામાં મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તપાસ બાદ આ મૃતદેહ લલિતાબેનનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક પરિણીતાને બે બાળકી છે અને પતિ રાહુલ તારાપુર ખાતે નોકરી કરે છે લલિતાબેનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.