કોડીનાર તાલુકાના બોડવા ગામ નજીક એક હચમચાવી દે તેવી લૂંટની ઘટના સામે આવી હતી, જ્યાં એક મહિલાને અજાણી કારમાં છરીના નાળચે લૂંટીને ચાલુ ગાડીએ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જોકે, આ ગંભીર ઘટના બન્યાની ગણતરીના કલાકોમાં જ કોડીનાર પોલીસ અને સ્થાનિક જાગૃત નાગરિકોની સતર્કતાથી આરોપીને ઝડપી પાડીને કાયદાના સકંજામાં લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આલીદર ગામના ઉજીબેન વૈંશ વિઠલપુરથી પોતાના ગામ આવવા એક અજાણી ઇકો ગાડીમાં બેઠા હતા. રસ્તામાં બોડવા ગામ પાસે અજાણ્યા શખ્સે મહિલાને છરી બતાવી, ડરાવીને કાનના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટારુએ તેમને શારીરિક ઇજા પહોંચાડી ચાલુ ગાડીએ નીચે ઉતારી દીધા અને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સ્થાનિક આગેવાનો શિવાભાઈ સોલંકી અને દિનુભાઈ સોલંકીના સતત સહકાર તથા CCTV ફૂટેજની મદદથી પોલીસે રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પરિણામે, પોલીસે બીજા જ દિવસે વહેલી સવારે ઘાંટવડ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


































