ગુજરાતના સોમનાથથી ભાવનગર સુધી રૂ.૩,૫૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત નેશનલ હાઈવેના નિર્માણકાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ એકવાર નેશનલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચાર અને પોલંપોલ થયાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામ નજીક એક જૂના અને જર્જરિત પુલ પર જ નવો ફોર-ટ્રેક રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટના નોતરી શકે છે. પેઢાવાડા ગામના જાગૃત નાગરિક ભગવાનભાઈ ડોડીયા દ્વારા આ મામલે છેલ્લા બે વર્ષથી સતત ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બે વર્ષ પહેલાં ભગવાનભાઈ ડોડીયાએ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેક્ટરે માત્ર NHAI ને પત્ર લખીને સંતોષ માન્યો હતો. જોકે, આ જર્જરિત પુલના નીચેના ભાગે પોપડા પડી જતાં અને લોખંડના કટાઈ ગયેલા સળિયા દેખાઈ આવતાં, પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જર્જરિત પુલને કારણે કોઈ મોટો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.