કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ૧૫ વર્ષીય કિશોર વિવેક સોલંકીનું બ્રેઈન સ્ટ્રોકને કારણે અકાળે અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભાવસિંહભાઈ ધીરુભાઈ સોલંકી અને તેમના પત્ની શાંતિબેન છૂટક મજૂરી અને બકાલું વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ત્રણ સંતાનોમાં બે દીકરીઓ અંજલિ (૧૮), ભૂમિકા (૧૬) અને એક માત્ર દીકરો વિવેક (૧૫)નો સમાવેશ થાય છે. ધોરણ ૯માં અભ્યાસ કરતા વિવેકને તા.૨૪ના રોજ બપોરે દોઢ વાગ્યે અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બુટ પહેરતી વખતે અચાનક ઢળી પડેલા વિવેકને તાત્કાલિક ડોળાસા અને ત્યાંથી ઉના દવાખાને લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અભ્યાસમાં હોશિયાર એવા વિવેકના અચાનક અવસાનથી માતા-પિતા બેહોશ થઈ ગયા હતા, જેમને સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા છે. ગામના વેપારીઓએ પણ શોક વ્યક્ત કરવા પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. આ કરુણ ઘટનાથી સમગ્ર કોળી સમાજ અને ડોળાસા ગામમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.