કોડીનારના ડોળાસા ગામે નાગનાથ મંદિર પરિસરમાં રોહિતભાઈ જાની તેમની અઢી વર્ષની પુત્રી હિવા સાથે મંદિરે દર્શન કરવા આવ્યા હતા, ત્યારે અચાનક પાછળથી આવેલી એક ખૂંખાર દીપડીએ બાળકીને મોઢામાં દબાવી દીધી હતી. પિતાએ સમયસૂચકતા વાપરી જોરદાર બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડી બાળકીને પડતી મૂકી ખેતરોમાં નાસી ગઈ હતી. ઈજાગ્રસ્ત હિવાને તાત્કાલિક ૧૦૮ મારફતે કોડીનાર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને ભયમુક્ત જાહેર કરી છે. વન વિભાગે દીપડીને પકડવા પાંજરા ગોઠવ્યા છે, પરંતુ હજુ સુધી તે ઝડપાઈ નથી. ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને નરભક્ષી બનેલી દીપડીને સત્વરે પાંજરે પૂરવા ઉગ્ર માંગ ઉઠી છે.