કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે સવારના અગિયાર વાગ્યે દીપડીનું આશરે ચાર માસનું બચ્ચું ‘‘મા’’ ની શોધમાં બજારમાં આવી ગયું હતું. વન વિભાગને જાણ કરતા છારા બિટનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તેનું રેસ્ક્યુ કરી તેમની સાથે લઈ ગયા હતા. રસિકભાઈ દરજીની દુકાનના છાપરા ઉપર બાળદીપડો લોકોની નજરે ચડ્‌યો હતો. આ સમાચાર ઝડપથી પ્રસરી જતાં લોકો એકઠા થવા લાગ્યા બાદ તે બચ્ચું ગભરાઈને દુકાનોના છાપરાઓ ઉપર છલાંગ મારી પાછળ આવેલ કુંભારવાડામાં ધનજીભાઈ લાખાભાઇ પ્રજાપતિના મકાનની પાછળ ખંડેરમાં છુપાઈ ગયું હતું. વન વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટર સોલંકીભાઈ છારા બિટના વન વિભાગના કર્મચારીઓ અંકિતસિંહ રાજપૂત, મનદીપસિંહ પરમાર, મહેન્દ્રભાઈ રાઠોડ, અલીભાઈ, ભગીરથભાઈ, અમરુંભાઈ અને જીતેશભાઇ મોરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.