કોડીનાર તાલુકાના ડોળાસા અને ઉના તાલુકાના લેરકા ગામને જાડતો રસ્તો બે વરસ પૂર્વે મંજૂર થયો હતો. પરંતુ આજ સુધી કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં નારાજગી જાવા મળી રહી છે. કોડીનારના પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળાની સતત રજૂઆતો બાદ મિતિયાજથી અડવી અને ડોળાસા થી લેરકા સુધીનો એમ બે રોડ ગુજરાત સરકારે મંજૂર કર્યા હતા જે પૈકી મિતિયાજ, અડવી રોડ બની ગયો છે પણ ડોળાસા, લેરકા રોડની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણકારોના કહેવા મુજબ સરકારના નાણાં વિભાગ દ્વારા ડોળાસા- લેરકા રોડને કોઈ કારણસર વહીવટી મંજૂરી જ આપવામાં આવી નથી. શા કારણથી માત્ર ત્રણ કિ.મી.ના રોડ માટે આવા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે? તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે ડોળાસા ગામના અજીતભાઈ મોરી અને સુરપાલસિંહ બારડ દ્વારા આ બાબતે કોડીનાર મામલતદારને રજૂઆત કરી સત્વરે ડોળાસાથી લેરકા સુધીના પેવર રોડનું કામ શરૂ કરાવવા માંગ કરી છે. આ રોડ બની જતા બંને ગામોના લોકોને ખુબ જ સુવિધા મળી શકે તેમ છે અને ફરીને ચાલવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે.