કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બનેલી ધૃણાસ્પદ ઘટનાનો તમામ સમાજના લોકો ઉગ્ર વિરોધ દર્શાવી રેલીઓ યોજી, આવેદનપત્ર આપી આરોપી શામજીને ફાંસીની સજા આપવા માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ હતભાગી બાળાના પરિવારને સાંત્વના આપવા અનેક આગેવાનો, સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્ય વગેરે જંત્રાખાડી ગામે આવી બાળાના પરિવારને મળ્યા હતા. કોડીનાર પોલીસ સ્ટેશનના અધિકારી સંદીપસિંહ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોડીનાર પોલીસ આ મામલે અત્યંત ગંભીર છે અને તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે તેમજ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ તુરત જ કોડીનાર પોલીસ ચાર્જશીટ તૈયાર કરશે જેથી આરોપીને આકરામાં આકરી સજા થાય. નરાધમ શામજીના રીમાન્ડ આજરોજ પુરા થતા હોવાથી ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ પરિવાર સાથે ટેલીફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી.